દરિયાને ડિપ્રેશન આવ્યું
માણસની ઈચ્છાના વહાણો વેંઢારીને
દરિયાને ડિપ્રેશન આવ્યું
સદીઓથી ઘેરાતી ઘટનાઓ સાંભરીને
હૈયાફાટ હિજરાવું લાવ્યું
દરિયાને ડિપ્રેશન આવ્યું…આકાશે વ્હાલ કરી પાસે બેસાડીને
પૂછ્યું, “કંઇ લાગ્યું છે માઠું?”
આટલી ખારાશ આમ સંઘરી રાખી તે
હવે માછલીએ વાળ્યું છે સાટું?
દાનવ ‘ને દેવે વલોવ્યો’તો એવું
છેક આજે તને યાદ આવ્યું?
દરિયાને ડિપ્રેશન આવ્યું…ઉછળતા ઓસરતા આંસુઓ ભાળીને
માવતરને કહેવડાવ્યું કહેણ
વાતો વાતોમાં વંશવેલો તપાસ્યો, તો
નીકળ્યાં કંઇ નદીઓનાં વહેણ
વારસામાં ખળખળ થઈ વહેવાનું ઓછું,
‘ને બંધમાં બંધાવાનું ફાવ્યું?
દરિયાને ડિપ્રેશન આવ્યું…“હશે ત્યારે, કંઇ નહિ, સૌ સારાંવાનાં થશે”
એમ મીઠેરો ટહુકો સંભળાયો
દીકરો વિફર્યાના હાલ વાંચીને ધરતીએ
વળતો જવાબ કહેવડાવ્યો
“ માની લે, ભાગ તારે, માફ કરી દેવાનું,
દરિયાદિલી નું કામ આવ્યું”
દરિયાને ડિપ્રેશન આવ્યું…– ચિંતન નાયક